વચનામૃત ગઢડા મધ્યનું - ૧૧

સંવત ૧૮૭૮ના શ્રાવણ વદિ પ પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

       પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) જેટલા ગ્રંથ છે તે સર્વે ગ્રંથોને સાંભળીને કેટલાક જે જીવ છે તે એ ગ્રંથોને ધર્મ, અર્થ ને કામ પર જાણે છે પછી એમ જાણીને પોતે પણ ધર્મ, અર્થ ને કામ તેને જ અર્થે યજ્ઞ-વ્રતાદિક શુભ કર્મ કરે છે. પછી તે કર્મનું ફળ દેવલોક અથવા બ્રહ્મલોક અથવા મર્ત્યલોક તેને વિષે ભોગવીને પછી ત્યાંથી પડે છે ને નરક ચોરાશીમાં જાય છે, માટે જે જીવ ધર્મ, અર્થ ને કામને વિષે પ્રીતિ રાખીને જે જે સુકૃત કરે છે તે સર્વે સાત્ત્વિકી, રાજસી ને તામસી થાય છે. ને તે કર્મનું ફળ સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ ત્રણ લોકમાં રહીને ભોગવાય છે, પણ ગુણાતીત જે ભગવાનનું ધામ તેને પામે નહીં. અને જ્યારે મોક્ષ ન થાય ત્યારે જન્મ, મરણ ને નરકનું દુઃખ તે મટે નહીં. (૧) અને જો ધર્મ, અર્થ ને કામ સંબંધી જે ફળની ઇચ્છા તેનો ત્યાગ કરીને તેના તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે, તો એ જ શુભ કર્મ છે તે ભક્તિરૂપ થઈને કૈવલ્ય મોક્ષને અર્થે થાય છે. ત્યાં શ્લોક છે જે :

आमयो येन भूतानां जायते यश्व सुव्रत । तदेव ह्यामयं द्रव्यं न पुनाति चिकित्सितं ।।

एवं नृणां कियायोगा: सर्वे संसृतिहेतव: । त एवात्मविनाशाय कल्पंते कल्पिता: परे ।।

એ શ્લોકનો પૂર્વે વાત કરી એ જ ભાવ છે, માટે એ વાર્તા છે તે સુધી અટપટી છે તે જો પૂરી સમજાણી ન હોય તો ભગવાનના ભક્ત હોય તેનો પણ સર્વ અજ્ઞાની જીવના સરખો દેહનો વ્યવહાર જોઈને ભગવાનના ભક્તનો અવગુણ લે તેણે કરીને અવગુણનો લેનારો નારકી થાય છે. (૨) ને ભગવાનના ભક્તની ને વિમુખ જીવની ક્રિયામાં તો ઘણો ફેર છે, કેમ જે વિમુખ જે જે ક્રિયા કરે છે તે પોતાના ઇન્દ્રિયોને લડાવવાને અર્થે કરે છે ને ભગવાનનો ભક્ત જે જે ક્રિયા કરે છે તે તો કેવળ ભગવાન ને ભગવાનના ભક્ત તેની સેવાને અર્થે કરે છે માટે હરિજનની જે સર્વે ક્રિયા તે તો ભક્તિરૂપ છે ને જે ભક્તિ છે તે તો નૈષ્કર્મ્ય જે જ્ઞાન તે રૂપ છે માટે હરિજનની ક્રિયા છે તે તો સર્વે નૈષ્કર્મ્યરૂપ છે. ત્યાં શ્લોક ભગવદ્‌ગીતાનો છે :

कर्मण्यकर्म य: पश्येदकर्मणि च कर्म य: ।

स बुद्धिमान्मनुष्येषु स युक्त: कृत्स्नकर्मकृत् ।।

એ શ્લોકનો એમ અર્થ છે જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની પ્રસન્નતાને અર્થે જે જે કર્મ કરે છે તે કર્મને વિષે અકર્મ જે જ્ઞાન તેને જ દેખે છે ને વિમુખ હોય તે નિવૃત્તિમાર્ગ પકડીને અકર્મપણે રહેતો હોય તોપણ તેને કર્મમાં બૂડ્યો છે એમ જે દેખે છે તે દેખનારો સર્વે મનુષ્યને વિષે બુદ્ધિમાન છે ને જ્ઞાની છે. (૩) માટે ભગવાનની આજ્ઞાએ કરીને ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનના ભક્ત જે જે કર્મ કરે છે તેનો કોઈ રીતે અવગુણ જો લે તો તેના હૃદયને વિષે કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરે છે. (૪) ઇતિ વચનામૃતમ્‌ ।।૧૧।। (૧૪૪)

રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, ધર્મ, અર્થ ને કામને વિષે પ્રીતિ રાખીને સુકૃત કરે તેનું ફળ સ્વર્ગ, મૃત્યુ ને પાતાળમાં ભોગવીને નરક ચોરાશીમાં જાય છે. (૧) અને તેનાં તે કર્મ અમારી પ્રસન્નતાને અર્થે કરે તો ભક્તિરૂપ થઈને મોક્ષને અર્થે થાય છે અને અમારા ભક્તના દેહનો વ્યવહાર અજ્ઞાની જીવના જેવો જોઈને અવગુણ લેનારો નારકી થાય છે. (૨) અને અમારા ભક્તની ક્રિયા અમારી તથા અમારા ભક્તની સેવાને અર્થે છે માટે તે નૈષ્કર્મ્યરૂપ ને ભક્તિરૂપ છે એમ જાણે તે જ્ઞાની છે. (૩) અને અમારા ભક્તની સેવારૂપ ક્રિયામાં અવગુણ લે તેને વિષે અધર્મ નિવાસ કરે છે. (૪) બાબતો છે.(પહેલી બાબતમાં ગુણાતીત ધામ કહ્યું તે ધામનો ખુલાસો પ્ર. ૧૨ના ૧૬મા પ્રશ્નોત્તરમાં છે) ।।૧૧।।